Breaking News: વટવામાં મધરાતે તલવારો સાથે ફિલ્મી આતંક: 5 વર્ષ જૂની હત્યાનો બદલો લેવા ગુંડાઓ બેફામ બન્યા, ગણતરીના કલાકોમાં ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ માજા મૂકી છે. વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખુલ્લી તલવારો સાથે લુખ્ખા તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં હથિયારો લહેરાવી રહેલા આ શખ્સોએ સામાન્ય નાગરિકોને ધમકાવ્યા હતા. જોકે, વટવા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

5 વર્ષ જૂનું વેર અને મધરાતે બદલો લેવાનો પ્લાન

પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે કોઈ ગેંગસ્ટર ફિલ્મની પટકથા જેવી છે. મુખ્ય આરોપી આદિલ શેખના ભાઈની ૫ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી આસિફનો ભાઈ આરોપી હતો. આ જૂની દુશ્મનીને કારણે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલતું હતું. તાજેતરમાં આસિફે આદિલના એક માણસને ધમકી આપી હતી, જેનો બદલો લેવા માટે આદિલ શેખ તેની ગેંગ સાથે તલવારો લઈને આસિફના ઘરે ધસી ગયો હતો.

વટવા પોલીસની કડક કાર્યવાહી: ‘ગારદન’ અને ‘લંગડો’ ઝડપાયા

ઘટનાની જાણ થતા જ વટવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપી આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી તલવારો સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આ શખ્સોના પકડાઈ જવાથી વટવાના ચાર માળિયા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે, પરંતુ આવા અસામાજિક તત્વોનો વધતો જતો આતંક પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *