દુનિયામાં અત્યારે અનેક ગંભીર યુદ્ધો ચાલી રહ્યા છે, ત્યારે આફ્રિકન દેશ યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કી સામે એક એવી માંગણી મૂકી છે જે સાંભળીને કોઈ પણ માથું ખંજવાળવા લાગે. જનરલ મુહૂઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પર તુર્કી પાસે 1 અબજ ડોલર (આશરે 9 હજાર કરોડ રૂપિયા) અને દેશની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાની માંગ કરી છે. આટલું જ નહીં, તેમણે આ માટે માત્ર 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. શા માટે માંગી રહ્યા છે 9 હજાર કરોડ રૂપિયા? કૈનેરુગાબાએ આ માંગણી પાછળ એક અનોખું તર્ક આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, યુગાન્ડા છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકી સંગઠન અલ-શબાબ સામે લડી રહ્યું છે અને આ રક્ષણ પાછળ યુગાન્ડાના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, તુર્કીએ આ સુરક્ષાનો લાભ લઈને સોમાલિયામાં રોડ, બંદર અને એરપોર્ટ બનાવીને અઢળક કમાણી કરી છે. સેના પ્રમુખનું કહેવું છે કે તુર્કીએ કમાણી કરી પણ સુરક્ષાનો બોજ યુગાન્ડાએ ઉપાડ્યો, તેથી હવે તુર્કીએ 1 અબજ ડોલર ‘સુરક્ષા હિસ્સા’ તરીકે ચૂકવવા પડશે. લગ્ન અને દૂતાવાસ બંધ કરવાની ધમકી પૈસાની સાથે સાથે જનરલ કૈનેરુગાબાએ પોતાની વ્યક્તિગત ઈચ્છા પણ જાહેર કરી છે. તેમણે લખ્યું છે કે તેમને તુર્કીની સૌથી સુંદર યુવતી સાથે લગ્ન કરવા છે. જોકે આ વાત મજાક જેવી લાગે છે, પરંતુ તેમણે આપેલી ધમકી ઘણી ગંભીર છે. તેમણે કહ્યું છે કે જો 30 દિવસમાં આ બંને માંગણીઓ પૂરી નહીં થાય, તો યુગાન્ડામાં આવેલું તુર્કીનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવશે અને તુર્કીની એરલાઇન્સને યુગાન્ડાના આકાશમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. કોણ છે આ જનરલ કૈનેરુગાબા? આ આખી ઘટના એટલા માટે ચર્ચામાં છે કારણ કે કૈનેરુગાબા માત્ર સેના પ્રમુખ નથી, પરંતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે. તેમને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે જોવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વિવાદિત અને વિચિત્ર નિવેદનો આપવા માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે પાડોશી દેશો પર હુમલો કરવાની ધમકીઓ આપીને હોબાળો મચાવ્યો હતો. તુર્કીએ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતો આ ઘટનાને રાજદ્વારી મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસ પૂરા થતા યુગાન્ડા ખરેખર કોઈ કડક પગલાં લે છે કે આ માત્ર સોશિયલ મીડિયાનો ગતકડું સાબિત થાય છે. Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ Post navigation IPL 2026 : બની ગયો મહા રેકોર્ડ, શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, જુઓ Breaking News: વટવામાં મધરાતે તલવારો સાથે ફિલ્મી આતંક: 5 વર્ષ જૂની હત્યાનો બદલો લેવા ગુંડાઓ બેફામ બન્યા, ગણતરીના કલાકોમાં ઝડપાયા