ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી દિવસેને દિવસે સામાન્ય માણસ માટે મોંઘી બની રહી છે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું આર્થિક રીતે મોટો પડકાર બની રહ્યું છે. હવે ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સંસદીય સમિતિએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ નક્કી કરવા અંગે વિચારણા કરવાની અપીલ કરી છે. આ સમગ્ર મુદ્દે અમદાવાદ શહેરમાં અલગ-અલગ ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે તપાસ કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો મુજબ કેટલીક હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂમનું એક દિવસનું ભાડું ₹5,000થી લઈને ₹50,000 સુધી પહોંચી ગયું છે. આ ચાર્જ ઘણી વખત 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂમ ભાડા કરતાં પણ વધારે હોવાનું સામે આવ્યું છે. સારવારનો ખર્ચ પણ અલગ ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે માત્ર રૂમનું ભાડું જ ચૂકવવાનું હોતું નથી. રૂમ ચાર્જ ઉપરાંત સારવારનો ખર્ચ, ડોક્ટરની વિઝિટ ફી અને દવાનો ખર્ચ અલગથી થાય છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં રૂમની કેટેગરી બદલાય ત્યારે ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને કેટલીક સારવાર અથવા સર્જરી સાથે જોડાયેલા ચાર્જમાં પણ વધારો થઈ શકે છે. પરિણામે મોટી ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ દર્દીના પરિવાર માટે ખૂબ જ વધારે બની શકે છે. મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીના સમયે હોસ્પિટલમાં દાખલ થવું એટલે ઘણી વખત તેમની વર્ષોની બચત ખર્ચાઈ જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ કેટલા? અમદાવાદની કેટલીક જાણીતી હોસ્પિટલોના જણાવાયેલા રૂમ ચાર્જની વિગતો આ પ્રમાણે છે: હોસ્પિટલ રૂમ ચાર્જ હેલ્થ વન હોસ્પિટલ ₹4,500થી ₹10,000 AB પ્લસ હોસ્પિટલ ₹5,000થી ₹25,000+ સીમ્સ હોસ્પિટલ ₹8,000થી ₹25,000 અપોલો હોસ્પિટલ ₹8,000થી ₹45,000 આ આંકડા દર્શાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં રૂમની કેટેગરી અને સુવિધા પ્રમાણે એક દિવસના ચાર્જમાં મોટો તફાવત જોવા મળે છે. હોસ્પિટલ સામે 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના રૂમ ચાર્જ અમદાવાદની 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂમ ચાર્જની સરખામણી કરવામાં આવે તો આ પ્રમાણેના દર સામે આવ્યા: કેટેગરી એક દિવસનું રૂમ ભાડું 3-સ્ટાર હોટલ ₹2,500થી ₹4,500 4-સ્ટાર હોટલ ₹5,000થી ₹9,000 આ સરખામણીમાં ખાનગી હોસ્પિટલોના કેટલાક સ્પેશિયલ અને ડિલક્સ રૂમના ચાર્જ 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના રૂમ રેટ કરતાં પણ વધારે જોવા મળે છે. હોટલ કરતાં હોસ્પિટલના રૂમ મોંઘા કેમ? હોટલમાં રહેવા માટે વિવિધ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તેનું એક દિવસનું ભાડું હોસ્પિટલના સામાન્ય સ્પેશિયલ અથવા ડિલક્સ રૂમ કરતાં ઓછું છે. પરંતુ હોસ્પિટલમાં રૂમ માત્ર રહેવાની જગ્યા નથી. રૂમની કેટેગરી બદલાતાં ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને સારવાર અથવા સર્જરી સંબંધિત ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ કારણે ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ વધુ મોંઘો બની જાય છે. સરકાર પાસે રૂમ ચાર્જ નક્કી કરવાની માંગ આ વધતા ખર્ચ વચ્ચે હવે એવી માંગ ઉઠી રહી છે કે સરકારે ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે કોઈ નિયમ બનાવવો જોઈએ અને ચાર્જની મર્યાદા નક્કી કરવી જોઈએ. માત્ર રૂમ ચાર્જ જ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલોએ રૂમના ચાર્જ અને સારવારને લગતી તમામ વિગતો ઓનલાઈન જાહેર કરવી જોઈએ, જેથી દર્દી અને તેના પરિવારને સારવાર શરૂ કરાવતા પહેલાં અંદાજિત ખર્ચની જાણકારી મળી શકે. સંસદીય સમિતિએ પણ ખાનગી હોસ્પિટલોના વધતા ચાર્જ અંગે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. હવે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. ખાનગી હોસ્પિટલના વધતા ખર્ચ વચ્ચે ઘણા પરિવારો માટે મેડિકલ ઇન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ સહારો માનવામાં આવે છે. જોકે, હવે વીમા કંપનીઓ દ્વારા પણ પ્રીમિયમના દરોમાં 15%થી 30% સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. સૌથી ગંભીર સ્થિતિ એવા પરિવારોની છે જેમની પાસે આયુષ્માન ભારત અથવા અન્ય સરકારી આરોગ્ય કાર્ડ નથી અને વધતા ખર્ચને કારણે તેઓ ખાનગી મેડિકલ ઇન્શ્યોરન્સ પણ લઈ શકતા નથી. આવા મધ્યમવર્ગીય પરિવારમાં કોઈ ગંભીર બીમારી આવે અને લાંબી સારવારની જરૂર પડે ત્યારે પરિવારને દેવું કરવું પડે અથવા પોતાની મિલકત વેચવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હોસ્પિટલ સંચાલકોની શું છે દલીલ ? આ મુદ્દે અમદાવાદની જાણીતી હોસ્પિટલોના સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી. હોસ્પિટલ સંચાલકોનું કહેવું છે કે મોંઘવારીમાં મોટો વધારો થયો છે અને તેની સાથે હોસ્પિટલોમાં આપવામાં આવતી સુવિધાઓ પણ વધી છે, જેના કારણે હોસ્પિટલના ખર્ચમાં વધારો થયો છે. હોસ્પિટલની સફાઈ, આધુનિક સાધનો અને આધુનિક સારવાર પાછળનો ખર્ચ પણ વધ્યો છે. સર્વિસ ટેક્સ, GST, વીજળીનું બિલ સહિત વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાથી આ તમામ વધેલા ખર્ચની અસર રૂમ ચાર્જ પર પણ પડે છે. હવે સરકારની મહત્વની ભૂમિકા એક તરફ ખાનગી હોસ્પિટલોના સંચાલકો વધતી મોંઘવારી, સ્ટાફના પગાર, આધુનિક સાધનો, સ્વચ્છતા, વીજળી અને અન્ય સુવિધાઓના વધેલા ખર્ચને રૂમ ચાર્જ પાછળનું કારણ ગણાવી રહ્યા છે. બીજી તરફ દર્દીઓ અને તેમના પરિવાર માટે સારવારનો કુલ ખર્ચ સતત વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને રૂમ ચાર્જ ₹5,000થી ₹50,000 સુધી પહોંચવાના અહેવાલો, મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 15%થી 30% સુધીનો વધારો અને રૂમ કેટેગરી પ્રમાણે વધતા અન્ય ચાર્જ વચ્ચે હવે સરકાર માટે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો હોવાની માંગ ઉઠી રહી છે. ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે નિયમન, ચાર્જની પારદર્શિતા અને તમામ સારવાર ખર્ચની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાથી દર્દીઓને સારવાર પહેલાં ખર્ચ અંગે વધુ સ્પષ્ટતા મળી શકે છે. હવે સરકાર ખાનગી હોસ્પિટલોના વધતા રૂમ ચાર્જ અંગે કોઈ મર્યાદા અથવા નિયમન લાવે છે કે નહીં, તે જોવાનું રહેશે. સરકારી બાબુઓ મફતના 8 કિલો કાજુ સાફ કરી ગયા… ! પાર્સલ લેવા પહોંચ્યા તો પેકેટ ખાલી જોતાં સ્ટાફનો ઉધડો લીધો Post navigation ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video ગાડી ઊભી નહિ રહે તો પણ કપાઈ જશે ટોલ, જાણો ANPRથી ઓટોમેટિક ટોલ કેવી રીતે કપાશે