હવે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ₹1.51 કરોડની છેતરપિંડી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ કાર્યમાં ₹1.51 કરોડની વિશાળ રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે મંગલ ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીના પ્રોપરાઈટર નંદીશ સોમપુરા સામે વિશ્વાસઘાત અને કરોડોની ઠગાઈ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને પથ્થરો પર અદભુત નકશીકામ સાથે ભવ્ય અને કલાત્મક રીતે તૈયાર કરવાની યોજના હતી. આ ભવ્ય નિર્માણ કાર્ય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંગલ ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી લઈને 2025 સુધીના સમયગાળા દરમિયાન, મંદિર તરફથી અલગ-અલગ તારીખે ચેક અને રોકડ મારફતે કુલ ₹1 કરોડ 51 લાખ જેટલી મોટી રકમ આરોપીને ચૂકવવામાં આવી હતી.

જોકે, નિર્ધારિત સમયમર્યાદા, જે એક વર્ષની હતી, તે પૂરી થઈ જવા છતાં મુખ્ય ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, મંદિર દ્વારા ચૂકવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ પણ પરત આપવામાં આવી નહોતી. મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોર સરજીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોન્ટ્રાક્ટરે અન્ય સ્થળોએ ચાલી રહેલા પોતાના કામો બતાવીને વિશ્વાસ જીત્યો હતો અને કામ શરૂ કરવા માટે અગાઉથી મોટી રકમની માંગણી કરી હતી. થોડો માલસામાન આવ્યા બાદ, કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દઈને વધુ પૈસાની માંગણી કરી હતી. સંસ્થાએ વધારાની રકમ પણ ચૂકવી હતી, પરંતુ તેમ છતાં કામ પૂર્ણ થયું નહોતું.

મંદિર સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાક્ટર નંદીશ સોમપુરાનો ઘણીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવી, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહીં. આખરે, કોઈ વિકલ્પ ન રહેતા, મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોર સરજીએ નંદીશ સોમપુરા સામે જૂનાગઢ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન, આરોપી નંદીશ સોમપુરાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, આરોપી વિરુદ્ધ અગાઉ ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં પણ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે. આ ખુલાસાએ આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે. પોલીસે હવે આરોપીને પકડી પાડી, ચૂકવાયેલા કરોડો રૂપિયા ક્યાં ગયા, કામ શા માટે અધૂરું રહ્યું અને કરારની શરતોનું પાલન શા માટે ન થયું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *