રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદે માત્ર જનજીવન જ નહીં, પરંતુ માળખાકીય વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે. સુરત જિલ્લાના બારડોલી અને અમરેઠમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે, તેણે નવા બ્રિજ, રસ્તાઓ અને તેમના નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ 74 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લોકાર્પણ પહેલાં જ ધોવાઈ ગયો, તો બીજી તરફ ડાયવર્ઝન માર્ગ પણ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે. બારડોલીના હરિપુરા નજીક નિર્માણાધીન નવો બ્રિજ ભારે વરસાદમાં ધોવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ હજુ પૂર્ણતાના આરે હતો અને તેનું લોકાર્પણ થયું ન હતું, ત્યારે જ તેના એપ્રોચ રોડના ભાગમાં મોટું ધોવાણ થતાં કોંક્રીટના ઢગલા નજરે પડ્યા હતા. હાઈવેનો એપ્રોચ રોડ બેસી જતાં વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે. સ્થાનિકો અને વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી તે વરસાદની પહેલી જ કસોટીમાં નિષ્ફળ ગયો. આ ઘટનાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને વેગ આપ્યો છે, જેમાં કેટલાક લોકો અધિકારીઓ અને ધારાસભ્યોની સંડોવણીની પણ વાત કરી રહ્યા છે. જોકે, આ ઘટના સામે આવ્યા બાદ સંબંધિત એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદના કારણે બ્રિજના એપ્રોચના ભાગમાં માઈનર સેટલમેન્ટ થયું હતું, જેની રેક્ટિફિકેશનની કામગીરી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તેમ છતાં, પુલનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અને તેમાં કોઈ જાતનું ડેમેજ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. આ ઉપરાંત, સુરત જિલ્લાના અરેઠના બોધાન ગામે પણ ભારે વરસાદે ડાયવર્ઝન માર્ગ ધોઈ નાખ્યો છે. અહીં બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ધસમસતા પ્રવાહમાં તે માર્ગ તણાઈ જતાં નેશનલ હાઈવે સાથેનો મહત્વનો સંપર્ક કપાયો છે. આ માર્ગ ધોવાઈ જવાથી બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા, અને તેમને ગંતવ્ય સુધી પહોંચવા માટે આશરે 25 કિલોમીટરનો લાંબો ફેરો મારવો પડ્યો હતો. વાવ્યા ખાડીના પ્રચંડ પ્રવાહને કારણે પાણીની પાઈપલાઈન પણ તૂટી ગઈ હતી, જેનાથી દૈનિક જીવન પર પણ અસર પડી હતી. વિદ્યાર્થીઓ, ધંધાધારીઓ અને નોકરીયાત વર્ગ અવરજવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિકો સુરક્ષિત અને ટકાઉ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. વારંવાર નવા રસ્તાઓ અને બ્રિજ વરસાદમાં ધોવાઈ જવાની ઘટનાઓ જાહેર નાણાંના ઉપયોગ, કામની ગુણવત્તા અને લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વરસાદ કુદરતી આફત હોઈ શકે, પરંતુ દરેક નુકસાન માત્ર કુદરતના માથે ઢોળી શકાય નહીં. જ્યારે નવા બનેલા માળખાકીય પ્રોજેક્ટ્સ પહેલા જ ભારે વરસાદમાં ધોવાઈ જાય, ત્યારે પ્રશ્ન માત્ર વરસાદનો નહીં પરંતુ આયોજન, ગુણવત્તા અને જવાબદારીનો બને છે. લોકોની અપેક્ષા હવે માત્ર સમારકામની નહીં, પરંતુ જવાબદારી નક્કી કરીને ગુણવત્તાયુક્ત અને ટકાઉ બ્રિજ તેમજ રસ્તાની છે. તંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં વધુ મજબૂત અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે તે સમયની માંગ છે. નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, લુન્સીકુઇ સહિત મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ Post navigation આઈપીએલની SRHની માલિક કાવ્યા મારન સાથે લગ્ન કરવા જઈ રહેલા રજની કાંતના ભત્રીજા અનિરુદ્ધ રવિચંદરનો પરિવાર જુઓ પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત