સાબરકાંઠાની સાબર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં જ વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. TV9 ગુજરાતી દ્વારા સાબર ડેરીના કથિત ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને લગતા કેટલાક પુરાવા સામે લાવવામાં આવ્યા છે. આ દરમિયાન શામળ પટેલના ભત્રીજા મનીષની હોવાનો દાવો કરવામાં આવતી વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયોમાં દૂધના ભાવફેરના રૂપિયાના વ્યવહાર અને સભાસદો પાસેથી નાણાં મેળવીને ‘વહીવટ’ કરવાની વાતચીત સંભળાઈ રહી છે. સામે આવેલી ઓડિયો ક્લિપમાં દૂધના ભાવ અંગેની વાતચીત કરવામાં આવી હોવાનું જણાય છે. તેમાં 30 રૂપિયાના દૂધના 32 રૂપિયા આપીને વધારાના બે રૂપિયા પરત મેળવી લેવાની વાત કરવામાં આવી રહી છે. આ રીતે ભાવફેરની રકમ સભાસદો પાસેથી મેળવીને વ્યવહાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત અનેક સવાલો ઊભા કરી રહી છે. આ ઉપરાંત, બીજી ઓડિયો ક્લિપમાં પણ ભાવફેરની રકમ એકત્રિત કરીને ‘વહીવટ’ પાડવાની અને સેટિંગ કરવાની વાતો સંભળાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ્સમાં થઈ રહેલી વાતચીતને પગલે સાબર ડેરીના વહીવટ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. મહત્વનું છે કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સાબર ડેરીના સુપરવાઈઝર મનીષની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મનીષ શામળ પટેલનો સગો ભત્રીજો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અને તેમાં સંભળાતા અવાજની ઓળખની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ પણ આવી અનેક ઓડિયો ક્લિપ્સ સામે આવી હોવા છતાં સાબર ડેરીના MD સુભાષ પટેલ દ્વારા મનીષ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? જો દૂધમાં કથિત ભેળસેળ અને ભાવફેરની રકમના વ્યવહારમાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો છે, તો ડેરીના જવાબદાર અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે? બીજી તરફ, સાબર ડેરીમાં અનેક સેવા મંડળીઓ બંધ થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે નવી અને કથિત નકલી સેવા મંડળીઓ ઊભી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નીચેથી લઈને ઉપર સુધી ચાલતા હોવાનો દાવો કરવામાં આવતા આ ‘વહીવટ’માં ખરેખર કોણ-કોણ સામેલ છે, તે તપાસનો વિષય બન્યો છે. માત્ર ઓડિયો ક્લિપ જ નહીં, પરંતુ સાબર ડેરીના MD સુભાષ પટેલ સામે ભરતી પ્રક્રિયામાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરતી પ્રક્રિયા અંગેની પૂરતી વિગતો વાર્ષિક અહેવાલમાં કેમ ઉપલબ્ધ નથી, તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. વધુમાં, નિવૃત્તિ બાદ પણ સુભાષ પટેલને એક્સ્ટેન્શન કેમ આપવામાં આવી રહ્યું છે, તે મુદ્દો પણ ચર્ચામાં છે. શું સાબર ડેરીનો વહીવટ સંભાળી શકે તેવી અન્ય કોઈ સક્ષમ વ્યક્તિ ઉપલબ્ધ નથી? શું ડેરીમાં કોઈ ચોક્કસ જૂથ અન્ય વ્યક્તિને આગળ આવવા દેતું નથી? ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં સામે આવેલા આ નવા આક્ષેપો વચ્ચે હવે ડેરીના જવાબદાર સત્તાધીશો શું ખુલાસો કરે છે અને સમગ્ર મામલે કોઈ તપાસ કે કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર છે. સાબર ડેરીની વધુ એક લાલિયાવાડી! સાબરકાંઠામાં ખરાબ દાણથી પશુઓ બીમાર Post navigation Gold Silver Price On MCX : સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો ! MCX પર સોનું ₹1,606 અને ચાંદી ₹936 મોંઘી Breaking News: IPL 2027 ઓક્શન પહેલા SRH-CSK વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી, આ સ્ટારને ₹7 કરોડનું નુકસાન