કેનેડામાં ઉચ્ચ શિક્ષણ માટે જતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પાર્ટ-ટાઇમ નોકરી કરીને પોતાના ખર્ચમાં મદદ કરે છે. જોકે, હવે કેનેડાની ઇમિગ્રેશન એજન્સી ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટડી પરમિટની શરતોનું પાલન કર્યા વગર કરવામાં આવતું કોઈપણ કામ ભવિષ્યમાં ગંભીર ઇમિગ્રેશન મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તાજેતરમાં કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરનારા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) નકારવામાં આવી હતી. તેમના અભ્યાસક્રમો PGWP માટે લાયક ન હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. આ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે IRCCએ ફરી એકવાર વિદ્યાર્થીઓને કામ સંબંધિત નિયમો અંગે સ્પષ્ટતા આપી છે. એજન્સીનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર તેમની સ્ટડી પરમિટમાં આપવામાં આવેલી શરતો અનુસાર જ કામ કરવું જોઈએ. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિઝા અથવા વર્ક પરમિટ નકારવામાં આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં દેશનિકાલ (Deportation) જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. IRCC દ્વારા અનેક વિદ્યાર્થીઓની વર્ક પરમિટ અરજી નકારવામાં આવ્યા બાદ કેનેડાના કેલગરી સ્થિત પોર્ટેજ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોલેજે વિદ્યાર્થીઓને કાનૂની સલાહ લેવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે IRCC પાસેથી વધુ સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. 21 જુલાઈએ કોલેજે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને યોગ્ય અને સચોટ માહિતી મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વધુ એક બેઠક યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવા અપડેટ અને પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. IRCCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું છે કે તેઓ માત્ર સ્ટડી પરમિટમાં દર્શાવેલી શરતો મુજબ જ કામ કરી શકે છે. પરવાનગી વિના કરવામાં આવતું કોઈપણ કામ ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન ગણાશે. કેનેડામાં વિદેશી વિદ્યાર્થી તરીકે તમે ત્યારે જ કામ કરી શકો છો જ્યારે તમારી સ્ટડી પરમિટ તેની મંજૂરી આપે. જો તમને કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી હોય, તો અભ્યાસ ચાલુ હોય ત્યારે અઠવાડિયામાં વધુમાં વધુ 24 કલાક જ કામ કરી શકો છો. 24 કલાકથી વધુ કામ કરવું સ્ટડી પરમિટની શરતોનું ઉલ્લંઘન ગણાશે. નિયમોનો ભંગ કરવાથી ભવિષ્યમાં વિઝા, વર્ક પરમિટ અથવા અન્ય ઇમિગ્રેશન અરજીઓ પર નકારાત્મક અસર પડી શકે છે. આગામી પાનખર (Fall Intake) દરમિયાન હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાના છે. આવા તમામ વિદ્યાર્થીઓ માટે IRCCની આ સૂચના ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસની સાથે પાર્ટ-ટાઇમ નોકરી શરૂ કરતા પહેલા પોતાની સ્ટડી પરમિટની તમામ શરતો સારી રીતે સમજી લેવી જોઈએ અને નક્કી કરેલી મર્યાદામાં જ કામ કરવું જોઈએ. નિયમોનું પાલન કરવાથી ભવિષ્યમાં વર્ક પરમિટ, કાયમી નિવાસ (PR) અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી થવાની શક્યતા ઓછી રહે છે. તેથી કેનેડામાં અભ્યાસ કરતા દરેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીએ પાર્ટ-ટાઇમ નોકરી શરૂ કરતા પહેલા IRCCના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કેનેડામાં સ્ટડી પરમિટ અને PGWP અંગે નવી માર્ગદર્શિકા જાહેર, ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાયું? Post navigation બોલિવૂડ સેલિબ્રિટીઓ મોટું કામ કરતા પહેલા ગુરુનું નામ લેવાનું ક્યારેય ભૂલતા નથી, જુઓ ફોટો