ઇન્કમટેક્સ વિભાગની અપીલ, ટેક્સપેયર્સ 31 ઓગસ્ટ પહેલાં ભરે ITR-3, 4, 5 અને 7, જાણો કોના માટે છે છેલ્લી તારીખ

આકારણી વર્ષ (AY) 2026-27 માટે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આવકવેરા વિભાગના તાજેતરના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધુ કરદાતાઓ પોતાનું રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે, જેમાં માત્ર ITR-3 અને ITR-4 ભરનારાઓની સંખ્યા જ 2 કરોડથી વધુ છે. જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી, તેમના માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં સર્વર પર ટેકનિકલ સમસ્યાઓ અને ટ્રાફિકથી બચવા માટે કરદાતાઓએ 31 ઓગસ્ટ 2026 પહેલાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી લેટ ફી કે પેનલ્ટીથી બચી શકાય.

કોના માટે 31 ઓગસ્ટ છે આખરી તારીખ?

31 ઓગસ્ટની ડેડલાઇન એવા વ્યક્તિગત કરદાતાઓ, ફ્રીલાન્સર્સ અને વ્યવસાયિકો માટે લાગુ પડે છે જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી:

  • ફ્રીલાન્સિંગ, કન્સલ્ટિંગ અથવા નાનો વ્યવસાય ચલાવતા લોકો.
  • ઇન્ટ્રાડે અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માં ટ્રેડિંગ કરતા રોકાણકારો.
  • કલમ 44AD, 44ADA અને 44AE હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટેક્સ સ્કીમનો લાભ લેતા કરદાતાઓ.
  • પગાર (સેલેરી) ઉપરાંત સાઇડ બિઝનેસ કે પ્રોફેશનલ આવક ધરાવતા લોકો.

ઈ-વેરિફિકેશન (e-Verification) કેમ જરૂરી છે?

રિટર્ન સબમિટ કર્યા બાદ 30 દિવસની અંદર તેને ઈ-વેરિફાય કરવું ફરજિયાત છે. જો નિયત સમયમાં વેરિફિકેશન પૂર્ણ કરવામાં નહીં આવે, તો ફાઈલ કરેલું રિટર્ન અમાન્ય (Invalid) ગણાશે અને વિભાગની નજરમાં રિટર્ન ભર્યું જ નથી તેમ માનવામાં આવશે.

તમારા માટે કયો ITR ફોર્મ યોગ્ય છે?

  • ITR-3: જે વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) ને વ્યવસાય કે પ્રોફેશનમાંથી નફો કે આવક થાય છે તેમના માટે.
  • ITR-4 (સુગમ): પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ પસંદ કરનારા નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે.
  • ITR-5: પાર્ટનરશિપ ફર્મ, LLP, AOP અને BOI જેવી સંસ્થાઓ માટે.
  • ITR-7: ટ્રસ્ટ, પોલિટિકલ પાર્ટીઓ, સંશોધન સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો માટે.
  • નોંધ: જો ફોર્મની પસંદગીમાં મૂંઝવણ હોય તો પોર્ટલ પર ‘Help me decide’ વિકલ્પની મદદ લઈ શકાય છે.

ખોટો ફોર્મ ભરવાથી શું નુકસાન થઈ શકે?

જો ખોટો ITR ફોર્મ સબમિટ કરવામાં આવે, તો આવકવેરા વિભાગ કલમ 139(9) હેઠળ તેને ‘ક્ષતિપૂર્ણ રિટર્ન’ (Defective Return) ગણીને નોટિસ મોકલી શકે છે. જ્યાં સુધી ભૂલ સુધારવામાં ન આવે ત્યાં સુધી રિટર્ન પ્રોસેસ થતું નથી અને ટેક્સ રિફંડ અટકી શકે છે. જો ખોટી માહિતી કે ઓછી આવક દર્શાવવામાં આવી હોય તો વ્યાજ, દંડ અથવા સ્ક્રૂટિનીની કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી સાચો ફોર્મ પસંદ કરીને સમયસર રિટર્ન ફાઈલ કરવું હિતાવહ છે.

ટેક્સપેયર્સ માટે આવકવેરા વિભાગની નવી સ્કીમ શરૂ, વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવા આદેશ, જાણો નિયમો અને શરતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *