MP-MLA રાજીનામુ આપીને અન્ય પક્ષમાંથી વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડે તો પેટાચૂંટણીનો ખર્ચ તેમની પાસેથી વસૂલો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, જે ઉમેદવારો વિધાનસભા કે સંસદમાંથી રાજીનામું આપે અને અન્ય રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરીને ફરી ચૂંટણી લડે છે, તેમણે જ પેટા-ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ ભોગવવો જોઈએ. આ મામલો તમિલનાડુમાં AIADMK (એઆઈએડીએમકે) ના ધારાસભ્યો સાથે સંબંધિત છે.

અરજદાર કે. સુથને તમિલનાડુના મધુરાન્થકમ અને ધારાપુરમ મતવિસ્તારોમાં તાજેતરમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓ દરમિયાન ભારતીય ચૂંટણી પંચ (ECI) અને સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચની વિગતો પણ માંગી છે. આ અરજી તમિલનાડુમાં AIADMK ના કેટલાક ધારાસભ્યોના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે, જેમણે ચૂંટણીમાં પોતાની બેઠક જીત્યા બાદ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતુ, અન્ય રાજકીય પક્ષ (TVK) માં જોડાયા અને ત્યારબાદ ફરી ચૂંટણી લડી.

ધારાસભ્યોએ AIADMK છોડીને TVK માં પ્રવેશ કર્યો

અરજી સ્વીકારીને, સુપ્રીમ કોર્ટે સી. વિજયભાસ્કર, એમ.આર. વિજયભાસ્કર, એસ.કે. સુબ્બૈયા અને એસ. જયકુમારને નોટિસ ફટકારી છે. આ વ્યક્તિઓએ AIADMK ધારાસભ્ય તરીકેના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ TVK માં જોડાયા હતા. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, જે ધારાસભ્ય કે સાંસદ સ્વેચ્છાએ રાજીનામું આપે છે અને અન્ય રાજકીય પક્ષ વતી ફરી ચૂંટણી લડે છે, તેમણે પેટા-ચૂંટણીના ખર્ચ માટે જવાબદાર ઠરવું જોઈએ. એટલે કે તેમણે આ પેટા ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચની ભરપાઈ કરવી જોઈએ. જેથી જાહેર ભંડોળના દુરુપયોગને રોકી શકાય.

સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનની ખંડપીઠે આજે 27મી ઓક્ટોબરને મંગળવારે આ અરજી પર સુનાવણી કરી અને તે મુજબ નોટિસ ઈસ્યું કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ભારતીય ચૂંટણી પંચ (ECI), તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી અને સંબંધિત ધારાસભ્યો (MLAs) સહિત વિવિધ પક્ષો પાસેથી જવાબ માંગ્યા છે.

પોતાની બેઠકો પરથી રાજીનામાં

અરજદાર કે. સુથનના જણાવ્યા અનુસાર, 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ AIADMKના છ ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાની બેઠકો પરથી રાજીનામાં આપ્યાં હતાં. આ વ્યક્તિઓમાં એસ. જયકુમાર, માર્ગથમ કુમારવેલ, પી. સત્યાભામા, ડૉ. એસાક્કી સુબ્બૈયા, સી. વિજયભાસ્કર અને એમ. આર. વિજયભાસ્કરનો સમાવેશ થાય છે.

રાજીનામાંને કારણે પેટાચૂંટણીની જરૂરિયાત

અરજીમાં જણાવાયું છે કે આ ધારાસભ્યોના રાજીનામાંને કારણે તેમના સંબંધિત મતવિસ્તારોમાં પેટાચૂંટણી યોજવી પડી. અરજદારનો આરોપ છે કે ધારાસભ્યોએ કોઈ મજબૂર સંજોગો વિના, માત્ર રાજકીય કારણોસર રાજીનામાં આપ્યાં છે. તેમનું કહેવું છે કે આનાથી સરકારી તિજોરી પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે.

‘કરદાતાઓએ શા માટે ખર્ચ ભોગવવો જોઈએ?’

અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો કોઈ ધારાસભ્ય સ્વેચ્છાએ રાજીનામું આપે અને તેના કારણે પેટાચૂંટણી યોજવી પડે, તો તેનો ખર્ચ કરદાતાઓએ શા માટે ભોગવવો જોઈએ? અરજદારનું કહેવું છે કે આ મુદ્દો માત્ર રાજકીય પક્ષ બદલવા પૂરતો સીમિત નથી; તે મતદારોના જનાદેશ અને જાહેર ભંડોળના ઉપયોગ સાથે સંબંધિત છે.

અગાઉ, કે. સુથન દ્વારા દાખલ કરવામાં આવેલી આ જનહિત અરજી (PIL)ને 24 સપ્ટેમ્બર, 2026ના રોજ મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. ધર્માધિકારી અને ન્યાયાધીશ જી. અરુલ મુરુગનની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે ચૂંટણીનો ખર્ચ વસૂલવા માટે નવી વ્યવસ્થા ઊભી કરવી અથવા રાજીનામું આપનારા ધારાસભ્યો પર નવી ગેરલાયકાતો લાદવી, તે બાબતો ધારાસભાની નીતિના દાયરામાં આવે છે.

Breaking News: ગર્ભવતી મહિલા પત્રકારને કથિત ધક્કો મારવાના કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *